કોરોનાની દવા શોધવામાં કેડિલા ભારતમાં પ્રથમ કંપની

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા છીએ અને અમે પ્રાણીઓ પર તેનું ટ્રાયલ લેવાનું શરુ કર્યું છે. આ એક સમય માગી લે તેવી પ્રક્રિયા છે અને અમને આશા છે કે અમે તેમાં સફળ થઈશું.


પરિણામ આવતા 4-6 મહિનાનો સમય લાગી શકે છે


માર્ચમાં કંપનીએ જાણકારી આપી હતી કે તેણે કોરોના વાઈરસ માટે હવે રસી વિકસાવવા માટે સંશોધન કાર્યક્રમ શરૂ કર્યો છે. કંપની સુત્રોએ જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં સંપૂર્ણ પ્રોસેસ અને તેના પરિણામ આવતા લગભગ 4-6 મહિના જેટલો સમય લાગી શકે છે. પ્રાણીઓ પર આની કેવી અસર રહે છે તેના આધારે રિસર્ચને આગળ વધારવામાં આવશે. અહીં નોંધવું રહ્યું કે, 2010 માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લૂની રસી વિકસાવવા અને સ્વદેશી ઉત્પાદન શરુ કરનાર ઝાયડસ કેડિલા એ પ્રથમ ભારતીય ફાર્મા કંપની હતી.


કોરોનામાં હાલ ઉપયોગી હાઈડ્રોક્સીક્લોરોક્વિનના ઉત્પાદનમાં મોખરે


હાલમાં કોરોનાના ઈલાજ માટે સૌથી વધુ મેલેરિયાના ઈલાજ માટે વપરાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને કોરોનાના ઈલાજ માટે અસરકારક માનવામાં આવે છે. આ દવાના ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ છે. ભારતમાં પણ ઇપ્કા લેબોરેટરીઝ અને ઝાયડસ કેડિલા આ દવાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. ફાર્મા અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનના કુલ ઉત્પાદનમાં આ બંને કંપનીઓનો શેર 80%થી પણ વધુ છે. ઝાયડસ કેડિલા આ દવાનું માસિક 20 ટનની ઉત્પાદન ક્ષમત ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *