વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ૧૯ વૉર્ડની ૭૬ બેઠકની ચૂંટણી હવે અંતિમચરણમાં આવી ગઈ છે. ઉમેદવારી થઈ ગઈ, પરત પણ ખેંચાઇ ગઈ હવે, માત્ર મતદાન અને ગણતરી જ બાકી છે. ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બુધવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ સમયે ભાજપ દ્વારા વોર્ડ ૨ અને ૧૧માં એક જ સમાજના બે ઉમેદવારની ઉમેદવારી પરત ખેચાવી લેવામાં આવી. જે સમયે કોંગ્રેસના ઉમેદવારોને સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું અને સાથે ભાજપના નેતાઓ પણ હતા. તેવા સમયે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, આ ખેલ ભાજપ દ્વારા ધાક-ધમકી અને દાદાગીરી તેમજ લોભ – લાલચથી પાર પાડવામાં આવ્યો છે. જોકે, ભાજપના શહેર પ્રમુખ કહે છેકે, આ ખેલમાં ભાજપનો કોઈ હાથ નથી. બીજી તરફ આ ખેલ કરવામાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંત ડો. વિજય શાહ અને હાલમાં ભાજપમાં અને ભૂતકાળમાં કોંગ્રેસના ધનકુબેર કહેવાતા નેતાનો હાથ છે.
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી ખરેખર કોણ કોની સામે તે જ મોટો પ્રશ્ન
ત્યારે પ્રશ્ન એ થાય છેકે, વોર્ડ ૨ અને ૧૧માં બિનહરીફનો ખેલ કરતાં સમયે ભાજપ શહેર પ્રમુખને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને પ્રદેશથી જ સીધો ખેલ પાડવામાં આવ્યો હતો. હવે આનો સાચો જવાબ તો ભાજપના પ્રદેશના નેતા જ આપી શકે છે.
પરંતુ હાલમાં ભાજપના દેવદુર્લભ કાર્યકરોમાં એક ચર્ચાએ જોર પકડયું છે, તે છે, લડાઈ કોની વચ્ચે છે, કોંગ્રેસ અને ભાજપ કે પછી ભાજપ અને સંઘ (રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ) વચ્ચે.
બુધવારે બનેલી ઘટનાની ક્રોનોલોજી સમજીએ તો વોર્ડ ૨માં કોંગ્રેસના ઉમેદવાર અને પ્રજાપતિ સમાજના દીકરીની ઉમેદવારી પરત લેવા માટે સમગ્ર ગોઠવણ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને વૈષ્ણવ અગ્રણી ડો. વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી. બધી જ ગોઠવણ થઈ ગઈ પછી, ઓપરેશનની જાણ પ્રદેશમાં કરવામાં આવી હતી. જે બાદ પ્રદેશમાંથી મંજૂરી મળી અને ગઇકાલે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ત્યારે હવે, ભાજપ સંગઠનના વણ લખાયેલ નિયમો અનુસાર ચૂંટણી સમયે કોઈ પણ ઓપરેશન કરવાનું હોય અથવા કરવામાં આવે તો શહેર પ્રમુખને વિશ્વાસમાં લેવામાં આવે છે. પરંતુ વોર્ડ ૨ના કોંગ્રેસના ઉમેદવારનું ઓપરેશન કરતાં સમયે શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાની ચર્ચા છે. એટલું જ નહીં, ભૂતકાળમાં પણ આ પ્રકારના ઓપરેશન કરવા માટે ડો. વિજય શાહને ભાજપના પૂવ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી જેમાં તેઓ સફળ પણ રહ્યા હતા.
પ્રદેશ સંગઠન અને સ્થાનિક સંગઠન વચ્ચે શીતયુદ્ધનું અંતિમ ચરણ
એટલું જ નહીં, વોર્ડ ૧૧માં પ્રજાપતિ સમાજના ઉમેદવાર કનુભાઈની ઉમેદવારી પરત લેવા માટે કોંગ્રેસના ધનકુબેર કહેવાતા અને હાલ ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા દલસુખ ચતુરભાઈ પ્રજાપતિનું નામ આવી રહ્યું છે. શું તે માટે પણ શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. પ્રદેશ ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રદેશ ભાજપની ઈચ્છા વિરુધ્ધ સંઘ દ્વારા ડો. સોનીને પ્રમુખ બનાવવા દબાણ કરવામાં આવ્યું હતું. જેથી પ્રદેશ ભાજપ દ્વારા ડો. સોનીને સાઈડ લાઇન કરવામાં આવી રહ્યા હોય તેમ લાગે છે.
તે ઉપરાંત વધુમાં એવી પણ ચર્ચા છેકે, ૧૯ પૈકી લગભગ ૧૦ વોર્ડમાં ભાજપના જ દેવદુર્લભ કાર્યકરોને ભાજપના જ મોવડીઓ દ્વારા સતત પક્ષને બે અને વિપક્ષને બે બેઠક પર મતદાન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. જે સૂચના અનુસાર શહેરમાં કોંગ્રેસની બેઠકો ૭થી વધીને ૧૭ પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે. રાજ્ય સરકારના ગુપ્તચર વિભાગ આઈબીના મતે આ વખતે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને ૨૨ બેઠકો મળી શકે તેમ છે. આ સંજોગોમાં પ્રદેશ ભાજપ દ્વારા સંઘને સાઈડ લાઇન કરી ખેલ પાડવામાં આવી રહ્યા છે, જેની મતદારો પર વિપરીત અસર પણ થઈ શકે છે. એવા કિસ્સામાં જો ભાજપના જ દેવદુર્લભ કાર્યકરો દ્વારા અંદરખાને ૨-૨નો પ્રચાર કરવામાં આવે તો હાલના શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની માટે આ ચૂંટણી નવાજૂની લાવશે તે લગભગ નક્કી જ છે. ત્યારે હવે, કોંગ્રેસ સામે ભાજપ નહીં પરંતુ ભાજપ સામે સંઘ (રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ)ની લડાઈમાં કોણ જીતશે તે તો આગામી તા. ૨૮મી એપ્રિલના રોજ આવનાર પરિણામ જ બતાવશે.
