બેંક ઓફ બરોડાની બ્રાંચના લોકર રૂમમાં ભરાયા પાણી
લોકર રૂમમાં પાણી ભરાતા લોકોના જીવ તાડવે ચોંટ્યા
વડોદરામાં હવામાન વિભાગની આગાહી અનુસાર, ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાંચ સુધી પહોંચી ગયા છે. જેથી બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી જ જોવા મળી રહ્યું છે. લોકર રૂમમાં પાણી ભરાતા લોકોના જીવ તાડવે ચોંટતા જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ગઈકાલે વડોદરામાં વરસેલા વરસાદને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બેંક પણ બાકી નથી. ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બ્રાંચ આવેલી છે. જેમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પડેલા વરસાદને પગલે બેંકમાં ઘૂટણસમા પાણી ભરાઈ ગયા છે. જેથી બેંકના કર્મચારીઓ સહિત ખાતેદારો ચિંતામાં મુકાયા છે. વરસાદી પાણી લોકર રૂમ સુધી પહોંચી જતા ખાતેદારો પોતાની મૂળી અને લોકરમાં મુકેલી કિમતી વસ્તુઓને જોવા માટે ભીડ ઉમટી પડી હતી.
આ અંગે બેંકના ખાતાધારક ફારૂકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની મેઈન બ્રાંચ આવેલી છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે 153મોં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસામાં આ બેંકમાં પાણી ભરાઈ જાય છે. બેંકના લોકરોમાં લોકોના પૈસા, સોનું-ચાંદી મૂકેલું હોય છે. જેમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. આ વર્ષે ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. માત્ર 1 ઈંચ વરસાદમાં જ દુકાનોની અંદર વરસાદના પાણી ઘૂસી જાય છે. ખાસ કરીને બેંક ઓફ બરોડાના લોકલ વિભાગમાં પાણી ભરાઈ ગયું છે. બેંકમાં એટલું પાણી ભરાયું છે કે, લોકોને ચંપલ ઉતારીને લોકર રૂમમાં જવું પડી રહ્યું છે. જેથી તમામ લોકર ધારકો દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે , ઓછો વરસાદ પડ્યો હોવા છતાં લોકર રૂમમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે વધુ વરસાદમાં લોકરમાં રહેલા સામાનની જવાબદારી કોની જેના સવાલો ખાતાધારકોના મનમાં ઉઠી રહ્યા છે. બીજી બાજુ બેંકમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ ન આવતા લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.