વડોદરા શહેરમાં બુધવારે વરસેલા વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા કાલાઘોડા બ્રિજને હાલ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બપોરે બે વાગ્યાની આસપાસ વિશ્વામિત્રીની સપાટી 28 ફુટે પહોંચી હતી. હવે જ્યારે આજવામાંથી ફરી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફુટને પાર પહોંચી છે.

કાલાઘોડા બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો અને બસ ડેપો તથા રેલવે સ્ટેશન જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન વ્યવહાર અને અવર જવર માટે બ્રિજ એકા એક બંધ કરાતા મુસાફરોને ચાલતા બસ ડેપો અને રેલવે સ્ટેશન જવાની નોબત ઉભી થઇ છે.