- વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટનો કકળાટ ચરમસીમાએ
- ઉમેદવારોની જાહેરાત બાદ જિલ્લામાં ભાજપમાં ઉકળતો ચરૂ
- ટિકિટ ન મળતાં ત્રણ બેઠકો પર ત્રણ મોટા નેતાઓની અપક્ષ અથવા કોંગ્રેસમાંથી ચુંટણી લડવાની જાહેરાત
- પાદરામાં દિનુમામા, કરજણમાં સતીશ નિશાળિયા અને વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ ચુંટણી લડશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં વડોદરા (Vadodara) જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ભાજપે (BJP) ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે આ નામો સામે ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. સમાચાર મળી રહ્યા છે કે વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટનો કકળાટ ચરમસીમાએ છે અને ટિકિટ ના મળતાં પક્ષના ત્રણ મોટા નેતાઓએ અપક્ષ અથવા કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
જીલ્લા ભાજપમાં અસંતોષ
ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વાઘોડીયામાંથી અશ્વિન પટેલ, પાદરામાંથી ચૈતન્યસિંહ ઝાલા અને કરજણમાંથી અક્ષય પટેલના નામની જાહેરાત કરી છે. જો કે આ બેઠકો પર આ નામો જાહેર થતાં જ જિલ્લામાં ભાજપમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે અને પક્ષના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
નારાજ ઉમેદવારોની ચૂંટણી લડવાની જાહેરાત
વાઘોડીયા, કરજણ અને પાદરા બેઠક પર ભાજપમાંથી ટિકિટ ન મળતાં આ ત્રણ બેઠકો પરથી પક્ષના ત્રણ મોટા નેતાઓએ અપક્ષ અથવા કોંગ્રેસમાંથી ચુંટણી લડવાની જાહેરાત કરી છે. પાદરામાં દિનુમામા, કરજણમાં સતીશ નિશાળિયા અને વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ ચુંટણી લડશે તેવા સમાચાર મળી રહ્યા છે.
કોંગ્રેસ ફાયદો ઉઠાવી શકે
બળવાખોરોની જાહેરાતથી ભાજપ માટે જિલ્લાની ત્રણ બેઠકો ખતરામાં જોવા મળી રહી છે. ભાજપની આંતરિક જુથબંધીનો કોંગ્રેસ ફાયદો ઉઠાવી શકે છે અને ભાજપના નારાજ નેતાઓને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે તેવી અટકળો થઇ રહી છે.
બે નેતા કોંગ્રેસના સંપર્કમાં
સતીશ નિશાળિયા અને મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓનાં સંપર્કમાં હોવાની માહિતી પણ મળી રહી છે. ભાજપ માટે પાદરા, કરજણ, વાઘોડિયા બેઠક પર અસંતોષ જોવા મળતાં ભાજપ માટે મુશ્કેલી સાબિત થઇ શકે છે કારણ કે ભાજપના ત્રણેય બળવાખોરો પોતાની બેઠકનાં પુર્વ ધારાસભ્યો છે
નારાજ નેતાઓની તૈયારીઓ
ભાજપ સામે બાંયો ચઢાવનાર ત્રણેય નેતાઓની શક્તિ પ્રદર્શનની તૈયારી પણ જોવા મળી રહી છે. આગામી સમયમાં ત્રણેય નેતાઓ ચૂંટણી માટેની તૈયારી કરી શકે છે.
દિનુ મામાએ શું કહ્યું
બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે પાદરા બેઠક પરથી દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અપક્ષ ચૂંટણી લડશે. ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપતા દિનુ મામાએ બળવો કર્યો છે. દિનુ મામાએ નિવેદન આપ્યું હતું કે હું અપક્ષ ચૂંટણી લડીશ અને જીતીશ. તેમણે કહ્યું કે બે સાંસદો ગીતાબેન રાઠવા અને રંજનબેન ભટ્ટના લીધે મારી ટિકિટ કપાઇ છે અને જેણે મારી ટિકિટ કાપી, તેમને હું ચૂંટણી બાદ નડીશ.
દિનુ મામાએ વધુમાં કહ્યું કે ચૈતન્યસિંહ ઝાલાએ 2017માં મને ટિકિટ મળી ત્યારે બળવો કર્યો હતો, એટલે આ વખતે હું પણ બળવો કરી અપક્ષમાં ચૂંટણી લડીશ. તેમણે કહ્યું કે આ વખતની મારી વિધાનસભાની છેલ્લી ચૂંટણી છે અને હવે એકપણ ચૂંટણી નહિ લડું.