વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર માટે વોર્ડ નં-10માં ભાજપના આયાતી નેતાઓને બોલાવી પ્રચાર કરતા ભાજપમાં ભાંજગડ વધી છે. ભાજપમાંથી 2012માં અકોટા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય અને ત્યાર બાદ નાણા મંત્રી બનેલા સૌરભ પટેલને વોર્ડ નં-10ના ઉમેદવાર નિતીન દોંગાએ પ્રચાર માટે બોલાવ્યા હતા અને સ્થાનિક અકોટાના ધારાસભ્ય સીમા મોહિલેની બાદબાકી કરવામાં આવી હતી.
નીતિન દોંગાના પ્રચારની રેલીમાં સૌરભ પટેલ જોડાયા
આયાતી આગેવાનોને વોર્ડ નં-10માં પ્રચાર માટે બોલાવવામાં આવતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે તપાસ કરતાં સ્ટાર પ્રચારકમાં તેમનું નામ નથી, પરંતુ, સૌરભ પટેલના અંગત મનાતા નીતિન દોંગાની પેનલના ચૂંટણી પ્રચાર માટે આજે તેઓ રેલીમાં જોડાયા હતા, પરંતુ, સ્થાનિક આગેવાનોને આ અંગેની જાણકારી આપવામાં આવી ન હતી, જેથી ચર્ચાનો વિષય બન્યો છે
સંગઠનના આગેવાનો રેલીમાં ન જોડાયા
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, અકોટા વિધાનસભા વિસ્તારમાં હાલના પ્રમુખ વિજય શાહે સૌરભ પટેલના વિરોધમાં હોર્ડિંગ્સ લગાવ્યા હતા, ત્યારથી બંને આગેવાન વચ્ચે વિવાદો ચાલતા રહ્યા હતા, જેની અસર આજે પણ વડોદરા શહેરમાં વર્તાઈ હતી. સ્થાનિક આગેવાનોને સૌરભ પટેલ આવવાના છે, તેની કોઇ જાણકારી નહીં હોવાથી સંગઠન સાથે જોડાયેલા આગેવાનો વોર્ડ નં-10ની રેલીમાં ગેરહાજર રહ્યા હતા.