આ વખતે પબ્લિક યાદ રાખશે: “25” વર્ષથી સત્તા ભોગવતા રાષ્ટ્રીય પક્ષ માટે “2025”માં કપરા ચઢાણના એંધાણ છે.

સંદેશ દૈનિકના સિનિયર પત્રકાર જીગર શાહનું સચોટ આંકલન ના આધારે હાલ ભાજપની શાખ પૂરમાં ધોવાઈ ગઈ છે અને લોકોને આ પુર ૨૦૨૫ સુધી યાદ રહેશે.

#ભાજપની સ્થાનિક નેતાગીરીને એવો દંભ છે કે, પૂરની હોનારત પીડિતો સાથે આખું વડોદરા થોડા દિવસોમાં વીસરી જશે. ગુજરાત રાજયના મુખ્યમંત્રીને ઉલટા ચશ્મા પહેરાવી ગેરમાર્ગે દોરનાર લોક પ્રતિનિધિઓના મગજમાં એવી ગ્રંથિ છે કે, શહેરમાંથી જેમ પૂરના પાણી ઓસર્યા તેમ અસરગ્રસ્તોનો આક્રોશ પણ સમી જશે. ઉપરાંત જનજીવન ધબકતું થાય બાદ નાગરિકો પોતાની દિનચર્યામાં વ્યસ્ત થશે અને શહેરને પૂરમાં ડુબાડવાનું માથે લાગેલું પાપ ધોવાઈ જશે.

આ પ્રકારની હલકી માનસિકતા ધરાવતા ભાજપના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, સંગઠનના નેતાઓ અને નેતાઓની આગળ પાછળ ફરતા તેમના ફોલ્ડરો હજી પણ જાહેરમાં અહંકારી અટ્ટહાસ્ય કરતા અટકતા નથી.

તમે અને તમારા ફોલ્ડરોએ લુચ્ચા અને જુઠ્ઠા હાસ્યથી વડોદરાની જનતાનું સરેઆમ અપમાન કર્યું છે. ૨૦૧૦માં રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ ‘રાજનીતિ’નો એક પ્રખ્યાત ડાયલોગ હતો કે, “आसमान में थूकने वाले को शायद यह पता नहीं है, की पलट कर थूक उन्हीं के चेहरे पर गिरेगा”. વડોદરામાં પૂરની પરિસ્થિતિનો ગાળીયો કાઢવામાં વ્યસ્ત નેતાઓ આ ડાયલોગ તમે યાદ રાખજો અને કાન ખોલીને સાંભળજો પણ.

વર્તમાન સમયમાં કદાચ નાગરિકો પીડામાંથી બહાર આવવા પૂરના વિનાશની ગાથા ભૂલી જશે પરંતુ પૂરથી પડેલી હાલાકીનો પડઘો તમને ૨૦૨૫ની કોર્પોરેશનની ચૂંટણીમાં જોવા મળશે. પ્રજાનો રોષ ધીકતો લાવા છે, જે કદાચ હમણાં ઠંડો થઈ જાય પણ કોર્પોરેશનની ચૂંટણીમાં તમે મતોની ભીખ માગવા જશો ત્યારે જ્વાળામુખી બનીને ફાટી નીકળશે. શહેરમાં ઠેર ઠેર લોકોનો આક્રોશ જોતા કહી શકાય કે, ૨૦૨૪નું પૂર આવતા વર્ષની ચૂંટણીના પરિણામ પર ગંભીર અસર કરશે. કારણકે હવે ભાજપના સ્થાનિક નેતાઓની નપુંસક નેતાગીરીને પ્રજા સાખી લેવા માંગતી નથી. વડોદરા મહાનગર સેવા સદનમાં “25” વર્ષથી સત્તા ભોગવતા રાષ્ટ્રીય પક્ષ માટે “2025”માં કપરા ચઢાણના એંધાણ છે.

– જીગર શાહ. સાથે વાતચીત મુજબનો અહેવાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *