વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હજી પણ ભાજપના નેતાઓ પ્રજાના આક્રોશનો સામનો કરી રહ્યાં છે. હવે કેટલાક નેતાઓ સરકારમાં એવું બતાવી રહ્યાં છે કે, હવે વડોદરામાં અમારો કોઇ વિરોધ નથી. પરંતુ શહેરમાં ભાજપના નેતાઓ સામે વિરોધ યથાવત છે. જે ગણેશ પંડાલમાં દર વર્ષે જુદી જુદી થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવે છે. ત્યાં હવે વડોદરામાં આવેલા પૂરની સ્થિતિમાં રહીશોએ કેવી હાલાકી ભોગવી હતી, તે થીમ ઉપર વિરોધ દરશાવતું ડેકોરેશન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખુબ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગણેશ મંડળો દ્વારા જુદી જુદી થીમ ઉપર ડેકોરેશન કરી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ ડેકોરેશનની થીમ લોકોમાં આક્રર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે તાજેતરમાં વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે સર્જાયેલી તારાજી અને સ્થાનિક નેતાઓની ગેરહાજરીની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
કારેલીબાગ સ્થિત વિશ્વકુંજ સોસાયટીમાં પૂરના સમયે એક એક માળ જેટલું પાણી ભરાયું હતુ. પૂરની ગંભીર સ્થિતિમાં લોકો લાચાર બન્યા અને કોઇ મદદે ન આવ્યું, આખી સોસાયટી ભાજપને મત આપે છે પરંતુ વડોદરામાં આવેલા પૂરમાં આખી સોસાયાટીએ જે મુશ્કેલી ભોગવી છે, તે ભૂલાય એમ નથી, જેથી આ સોસાયટીના ગણેશ મંડળ દ્વારા ભાજપના કાઉન્સીલરો સામે વિરોધ નોંધાવવા પૂરની થીમ ઉપર ડેકોરેશન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.