(૧.) બાર પુરા એટલે ૧. બાવામાનપુરા, ૨. જહાંગીરપુરા, ૩. સુલતાનપુરા, ૪. બુરહાનપુરા (જે પાછળથી વિકૃત રૂપે બરાનપુરા ઉચ્ચારાતું થયું. ), ૫. યાકુતપુરા એ પાંચ મુસ્લિમકાળના છે. એ પછી મરાઠાઓના યુગમાં ૧. રાવપુરા, ૨. બાબાજીપુરા, ૩. આનંદપુરા, ૪. ફત્તેહપુરા, ૫. શિયાપુરા, ૬. ગણપતપુરા, (નવાપુરા/કંગાલપુરા/મહેબુબપુરા એ ગણપતપુરાની બાજુમાં જ છે એટલે એનો જ ભાગ ગણાતાં) ૭. કાલુપુરા, આમ મુસ્લિમકાળના ચાર દરવાજાની અંદરના પાંચ અને મરાઠાકાળના દરવાજાની બહારના સાત મળી બાર પુરા મરાઠાઓના આગમન પછી…
(૨.) શહેરમાં જે વ્યકિત પોતાને નાદાર કે દેવાળિયો જાહેર કરે એને શહેર છોડી શહેરની બહાર વસાવાયેલ ફત્તેહપુરામાં વસવાની છૂટ હતી. જેથી એની સામે લેણદાર ફરિયાદ કરી શકે નહીં એવો કાયદો હતો. એમ કહેવાય છે.(૩.) જેઠી એટલે ગુજરાતના મોઢ બ્રાહ્મણો. વાસ્તવમાં એ અખાડો વજ્રમુષ્ટિનો અખાડો ગણાતો. જે આજે પણ પિતાંબર પોળની પાસે છે. મુસ્લિમો એ અખાડાને ‘બજરમુઠિયા’નો અખાડો કહેતાં.(૪.) વાંદરિયા બુરજનું મૂળ મુસ્લિમ નામ ‘બહાદુર બુર્જ’ હતું. અને એ સંખેડા-બહાદુરપુર તરફ જવાના માર્ગે હોવાથી તે નામ મુસ્લિમ શાસનકાળથી કિલ્લાના બુરજને આપવામાં આવ્યું હતું(૫.) મિયાં મહંમદની વાડી એ અતિ પ્રસિદ્ધ સ્થાન મુસ્લિમ શાસનકાળથી છે. રામ તળાવ અને મહંમદ તળાવ એ બે તળાવ ગાજરાવાડી વિસ્તારમાં હતાં. એમાંથી મહંમદ તળાવ એ એક પ્રસિદ્ધ સંતના નામે હતું. મહંમદ તળાવ પાસેની ટેકરી પર જ્યાં પુષ્કળ પ્રમાણમાં સાપ-વિંછી થતાં ત્યાં આ સંત રહેતાં હતાં અને એ સોનું બનાવવાનું જાણતાં અને દરરોજ સવા મણ સોનું બનાવતાં હતાં એમ વિનાયક સદાશિવ વાકસકર નામના લેખકે નોંધ્યું છે. આ ટેકરી રામ તળાવ અને મહંમદ તળાવની વચ્ચે હતી. મહંમદ તળાવને ૨૦૦૨ના તોફાનો પછી મહાદેવ તળાવ નામ આપવાનો પ્રયાસ થયો.(૬.) ઘુઈયાનો દરવાજો એટલે ગોયા તલાવડી તરફનો દરવાજો. ગોયાગેટ. એ મુસ્લિમ શાસનકાળના વખતના કિલ્લાઓ દરવાજો ગણાતો. એની પાસે પ્રતાપનગર રેલવે સ્ટેશન બન્યું. એટલે એ પ્રતાપનગર મરાઠીકાળમાં બન્યું(૭.) મડધા-બારી: ખબર લાવનાર અને લઈ જનાર માણસ એટલે મડઘો. એ મુસ્લિમોની એક જાતિ પણ છે. એટલે એવા માણસો સંદેશો રાજ સુધી પહોંચાડી કે લઈ જઈ શકે એવો કોટને લગતો નાનો દરવાજો એ મડઘા-બારી. આવું કામ કરનારા લોકો હતાં. કદાચ એટલે જ પ્રતાપ મડધાની પોળ એવું નામ પડ્યું હોય. અથવા બાજવાડામાં જે કોટ તૂટી ગયો છે ત્યાં આવો ગુપ્તરસ્તો હોવો જોઈએ. એટલે ગરબામાં એ બારીએ થઈને શહેર જોવા જવાની વાત કહેવામાં આવી હોય.(૮.) ભેંસાણા ભાગોળ: ગોયા દરવાજા તરફનો આ વિસ્તાર નવાપુરાથી પોલોગ્રાઉન્ડ તરફ વિસ્તરતો હતો. એ પ્રાચીન વટપદ્રકની દક્ષિણ સીમા હતી. મુસ્લિમ કાળમાં એ શહેર બહાર ગણાતી ભાગોળ હતી. આજે જ્યાં બગીખાના વગેરે વિસ્તાર છે ત્યાં ભેંસાણા – મહાસેનક તળાવ પાસે ગુનેગારોને મૃત્યુદંડ આપવાની જગ્યા હશે એનો ઉલ્લેખ અહીં કરાયો છે. નવમી સદીના ઉલ્લેખોમાં પોલોગ્રાઉન્ડ પાસેના આ તળાવ પાસે પીર અમીન તાહેર ગઝનવી શહીદ થયાં હતાં એમના નામથી પીર અમીન તાહેર પરથી પીરામીતાર એવો વિકૃત ઉચ્ચાર થતાં પીરામીતાર વિસ્તાર બન્યો.(૯.) પરું બાબાજી : એ ગાયકવાડીમાં થયેલાં બાબાજી આપાજીના નામે છે. છે પાછળથી બાબાજીપુરા તરીકે પ્રસિદ્ધ થયું.(૧૦.) ડાડિયું બજાર એટલે પ્રાચીન વટપદ્રકની પૂર્વ સીમાનો વિસ્તાર અને મુસ્લિમ શાસકોએ બનાવેલ વડોદરાનો પશ્ચિમનો છેવાડાનો વિસ્તાર. એટલે આજનું દાંડિયાબજાર. સયાજીરાવ ત્રીજાએ પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો ત્યારે મરાઠાઓની મોટાભાગની વસ્તી અહીં વસાવી હતી. લક્ષ્મીવિલાસ પણ પાછળથી આ વિસ્તારની પાસે બંધાયો એ ઘટના ગરબો રચાયા પછીની છે. એટલે રાજમહેલનો ઉલ્લેખ નથી. પણ એ વિસ્તારમાં મરાઠી વસતાં હશે તેથી ગરબામાં આ વિસ્તારનો ઉલ્લેખ છે. મહારાષ્ટ્રમાં પણ દાંડેબજાર હોય છે… એનું દાંડિયાબજાર થયું છે.(૧૧.) વડોદરાના રાજવી આનંદરાવ ગાયકવાડના નામથી કોઠી કચેરી આગળ આનંદપુરા વસ્યું હતું. જ્યાં આજે પણ મરાઠી વસ્તી અને સરકારી પ્રેસ છે. આ વિસ્તારમાં ગાયકવાડના અધિકારીઓ પણ રહેતાં. કર્નલ ફેરને ઝેર આપવામાં આવ્યું એ કેસના વકીલ સાર્જન્ટે બેલેન્ટાઈનનું મકાન પણ અહીં જ હતું.
(૧૨.) રાવપુરા ગાયકવાડીમાં વિકસ્યું અને રાવજી આપાજીને નામથી રાવપુરા તરીકે ઓળખાયું. ગાયકવાડના મરાઠી સરદારને નવાબવાડો, મીરસાહેબનૌ વાડો, આંબેગાંવકરનો વાડો, ખર્ચીકરનો વાડો એ આ વિસ્તારમાં અપાયા હતાં