GANDHINAGAR TALKS: સુરત-વડોદરા મ્યુ. કમિશનર સહિત સાત જિલ્લા કલેકટરોને બચાવ-રાહત ઓપરેશન તેજ બનાવવા CMનો આદેશ

મુખ્યમંત્રીએ ભારે વરસાદ થયો છે તેવા અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય અને અન્ન પુરવઠાની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામોને અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી.


આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા તંત્ર વાહકોની સતર્કતા અને સંકલનને પરિણામે આપણે વ્યાપક નુકશાન અટકાવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું. અલબત્ત, આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંકલનમાં રહીને ઓછામાં ઓછું નુકશાન થાય તેવા આગોતરા આયોજન માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આ હેતુસર જરૂર જણાય તો નજીકના જિલ્લામાંથી સાધનો અને મેનપાવરની વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી.

જળાશયો અને ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા હોય ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરવા સૂચના

રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોનાં વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરી અને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાન-માલ સલામતીના પગલાં લેવાય તેની તાકીદ પણ તેમણે કરી હતી. માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *