વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરના સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય લેવાયો હતો, જેના પર હવે નવો વળાંક આવ્યો છે. આ નિર્ણયનો શહેરમાં ભારે વિરોધ થયો હતો, જેને ધ્યાને લઈને શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ મહત્વની જાહેરાત કરી છે. તેમણે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે સ્મશાનોમાં અગાઉથી સેવા આપતા ટ્રસ્ટોની વ્યવસ્થા યથાવત રહેશે.
આ નિર્ણય સાથે શહેરમાં ફરી એકવાર ચૂંટાયેલી પાંખ પર સંગઠનની સર્વોપરિતા સાબિત થઈ છે. વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું પણ આ નિર્ણયમાં મહત્વનું યોગદાન રહ્યું છે.શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ખાસવાડી, વડીવાડી અને માંજલપુર ખાતે જલારામ સેવા ટ્રસ્ટ, છાણીમાં સતીશ પટેલના ટ્રસ્ટ અને નિઝામપુરા ખાતે ભૂતપૂર્વ મેયર ભરત શાહ દ્વારા સંચાલિત સ્મશાનોની પૂર્વવત્ સ્થિતિ જળવાઈ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ કે સંસ્થા સેવા આપવા ઇચ્છે, તો તેને નકારી શકાય નહીં.ડૉ. સોનીએ વધુમાં જણાવ્યું કે, પાલિકાનું મુખ્ય ધ્યેય જનતાને સેવા પૂરી પાડવાનું છે. સ્મશાનોનું સંચાલન કરતી હાલની સંસ્થાઓ અને ટ્રસ્ટો આગામી દિવસોમાં પણ પોતાનું કાર્ય ચાલુ રાખશે. આ માટે પાલિકા તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. લોકશાહીમાં લોકોની લાગણીઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે, અને આ નિર્ણય લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
હાલમાં વડોદરામાં પાલિકા 27 સ્મશાનોનું સંચાલન કરે છે, જ્યારે 4 સ્મશાનો ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવે છે. આ નિર્ણય પાછળ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલનું દબાણ પણ નોંધપાત્ર રહ્યું છે. અગાઉ તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી હતી. શહેર ભાજપ પ્રમુખની આ જાહેરાત બાદ ચર્ચાઓ શરૂ થઈ છે કે સ્થાયી સમિતિના નિર્ણયને ભાજપ પ્રમુખે ફેરવી નાખ્યો છે.આ ઘટનાએ શહેરના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. લોકોની લાગણીઓ અને સેવાભાવી સંસ્થાઓના યોગદાનને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય શહેરના સામાજિક અને રાજકીય સમીકરણોમાં નવું પરિમાણ ઉમેરે છે.