વડોદરા શહેરમાં આવેલી પૂર કુદરતી કે પછી માનવ સર્જિત?
વડોદરા શહેરમાં 12 કલાકમાં 13.5 ઈંચ વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જે બાદ આજવા સરોવરના કેચમેટ એરિયામાં ભારે વરસાદના કારણે સરોવરની સપાટી પણ વધી રહી છે. જેની આજવા સરોવરમાંથી પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જે પાણી પણ વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યા છે. પરંતુ વિશ્વામિત્રી નદીમાંથી પાણી આગળ જતા અટકી ગયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીના પગલે અકોટા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં બાંધ તૈયાર કરાયો છે. જેના કારણે પાણી આગળ જતા અટકી ગયા અને શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે, હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા પાણી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના હંગામી બાંધ ઉપરથી વહી રહ્યું છે. પરંતુ બંધનું લેવલ આવ્યા બાદ પાણી પુનઃ આગળ વધતું અટકશે તે નક્કી છે. ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી આ બાંધ હાલ તોડી શકાય તેમ પણ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હાઈ સ્પીડ રેલવેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે અકોટા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ પ્રોજેક્ટ અંતર્ગત પિલર ઉભા કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે માટે પ્રોજેક્ટના અધિકારીઓની સૂચનાથી વિશ્વામિત્રી નદીમાં માટી અને લોખંડની પ્લેટથી એક બાંધ બનાવવામાં આવ્યો હતો. જે બાંધ આશરે 30 ફુટ ઉંચો અને 35 ફુટ પહોળો બનાવાયા છે. જેના પરથી માલસામાનના ટ્રક તેમજ ક્રેન પસાર થાય તેટલો મજબૂત બનાવાયો છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણી બહાર જવાનો માર્ગ પર આજ છે. ત્યારે 30 ફુટ ઉંચો બાંધ બનાવી દેવામાં આવતા પાણી આગળ જતા અટકી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ગઈકાલે શહેરમાં 12 કલાકમાં 13.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં ભરાયેલા પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યા હતા. બીજી તરફ આજવા સરોવરની સપાટી પણ વધવા લાગી હતી. જેથી તેના પણ 52 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી છે. પરંતુ ગઈકાલના વરસાદનું પાણી પણ વિશ્વામિત્રીમાં અટકી ગયું હોય આજે આજવાથી આવતા પાણીના કારણે સપાટીનું સ્તર સતત વધી રહ્યું છે. ત્યારે શહેરમાં પૂરની પરિસ્થિતિ કૃત્રિમ રીતે ઉભી થઇ છે. જેનું મુખ્ય કારણ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદી પર બાંધવામાં આવેલો હંગામી બાંધ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.
હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીથી સ્થાનિક તંત્ર પણ અજાણ
અકોટા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત 30 ફુટ ઉંચો અને 35 ફુટ પહોળો એક બાંધ તૈયાર કરાયો છે. જે બાબતે રેલ પ્રોજેક્ટ તંત્ર દ્વારા સ્થાનિક તંત્રને કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. ગઈકાલે આજે શહેરમાં પૂરની સ્થતિ તે જ બાંધના કારણે સર્જાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ત્યારે કોર્પોરેશનના તંત્રને આ બાબતે કોઈ જ જાણકારી ન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.
10 દિવસ પહેલા જ ટ્રેનમાંથી ફોટો લીધો હતો, આજે પાણી ઉપરથી વહે છે
હિતેષભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે, હું 10 દિવસ પહેલા ટ્રેનમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે વિશ્વામિત્રી નદીમાં આ બાંધ જોયો હતો. અંદાજે 30 ફુટ ઊંચો અને 35 ફુટ પહોળો બાંધ વિશ્વામિત્રી નદીમાં જ તૈયાર કરાયો છે. જેના પગલે વિશ્વામિત્રી નદીના પાણી આગળ જઈ શકતા નથી. ગઈકાલે વરસાદ અને આજે આજવા સરોવરમાંથી છોડાયેલા પાણીના કારણે બાંધના સ્થળે જળસ્તર વધી ગયું છે. જેથી બાંધ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. અને પાણી તેની ઉપરથી વહી રહ્યું છે. પરંતુ બાંધનું લેવલ આવતા પાણી પુનઃ અટકી જશે.

વિશ્વામિત્રીમાં માટી તેમજ લોખંડની પ્લેટ નાખી બાંધ બનાવી દેવાયો છે
સ્થાનિક રહીશ લિયાકત અલીએ જણાવ્યું હતું કે, હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનો સમાન એક છેડેથી બીજા છેડે લઇ જવા માટે વિશ્વામિત્રી નદીમાં જ બાંધ બનાવાયો છે. જેને બનાવવા માટે લોખંડની મજબૂત પ્લેટ અને માટીનો ઉપયોગ કરાયો છે. બાંધ પરથી મોટા મોટા ટ્રક તેમજ ક્રેન પસાર થાય તેટલો મજબૂત છે. જેના કારણે જ વિશ્વામિત્રી નદીના પાણી રોકાઈ રહ્યા છે. જોકે, આજે પાણીનું લેવલ વધતા પાણી ઉપરથી પસાર થઇ રહ્યા છે. તેમ છતાં બાંધ ઉપર લગાવવામાં આવેલી લાઈટ સહિતના સાધનો હજી પણ દેખાઈ રહ્યા છે.