ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદથી વડોદરા જિલ્લામાં ભડકો થયો છે. અને એક હાલના ધારાસભ્ય અને અન્ય બે બેઠકોના ટિકિટ વાંચ્છુઓએ મળીને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. ત્યારે બળવાખોરી ડામવા માટે આજે રાજ્યની છેલ્લી સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા હતા. અને પહેલા વાઘોડિયા અને ત્યાર બાદ કરજણમાં કાર્યકર્તાઓને મળ્યા હતા. દરમિયાન તેમણે કરજણમાં કાર્યકરતાઓને સંબોધતા કહ્યું કે, પાર્ટી આપણી માં છે, તેને તોડનારાઓને હિસાબ કરવાનું ચુકતા નહિ. આ વાતને બળવાખોરોને કડક શબ્દોમાં ચેતવણી સમાન ગણવામાં આવે છે. હર્ષ સંઘવીની વડોદરાના વાઘોડિયા અને કરજણની મુલાકાત બાદ હવે બળવાખોરોના કેવા સુર બદલાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ દરમિયાન હર્ષ સંઘવી આજે સવારે બળવાખોર નેતાઓને મળવા આવ્યા હતા અને પારુલ યુનિ માં મધુ શ્રીવાસ્તવ, પછી દીનુમામા અને કરજણમાં સતીષ પટેલને સમજાવવાના હતા. પરંતુ મધુ શ્રીવાસ્તવ સારંગપુર હોય મળ્યા નહોતા, જ્યારે દીનું મામાં અને સતીષ પટેલ પણ કંઈ ગળે ના ઉતરે તેવી વાત કરી મળવાનું ટાળ્યું હતું.
વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરતા ટિકિટ વાંચ્છુકોમાં ભારે નારાજગી જોવા મળી રહીં છે. જેમાં વાઘોડીયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ, કરજણથી સતિષ પટેલ (નિસાળીયા) અને પાદરાથી દિનુ મામાએ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. જેથી ભાજપ દ્વારા વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવાની રણનીતી અપનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે હર્ષ સંઘવી વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ત્યારબાદ કરજણ ખાતે કાર્યકરતાઓનો ઉત્સાહ વધારવા અને ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યાં હતા.
હર્ષ સંઘવીએ કરજણમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, “15 તારીખે ફોર્મ ભરવાની સાથે અનેક વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢજો. પાર્ટી આપણી માં છે, પાર્ટીઓ આપણને સૌને ઓળખ આપી છે, ભુલતા નહિ. પાર્ટી માટે આપણે સૌએ ભેગા મળીને 15 નવેમ્બર થી શરૂ થઇને 8 ડિસેમ્બર સુધી આપણા વિસ્તારમાં એક એક વિસ્તારને તોડવાનો પ્રયત્ન કરતા વ્યક્તિઓને શોધી શોધીને તેનો હિસાબ કરવાનો છે ચુકતા નહિ”.
હર્ષ સંઘવીએ વધુમાં એમ પણ જણાવ્યું હતુ કે, રાજ્યના નાગરિકોએ આપણી જોડે, આપણી સાથે ખભેખભા મિલાવીને રાજ્યના વિકાસમાં ભાજપનું કમળ વર્ષો વરસ ખીલવ્યું છે. આજે હું કાર્યકર્તાઓને જવાબદારી આપવા હું આવ્યો છું. ગુજરાતના નાગરિકો ના હોય તો તમારી અને મારી કોઇ ઓળખ નથી. આ તમે ભુલતા નહિ કોઇ. કોઇ તાલુકા પંચાયતનો સભ્ય બન્યો હશે તો તેના નાગરિકો અને ભાજપના કમળનો આભાર માનજો. તમારા વિસ્તારના એક એક નાગરિકે તમારી પર સંપુર્ણ વિશ્વાસ રાખ્યો છે, તે વિશ્વાસને આગળ વધારવા માટે ભાજપનો જે સંબંધ છે, સંબંધને આગળ વધારવા માટે અદભુદ રીતે આગળ નિકળવાનું છે. અને કરજણમાં કમળને ઐતિહાસીક રીતે ખીલવવાનું છે.
વડોદરા જિલ્લામાં પ્રથમ વખત ભાજપમાં ત્રણ બેઠક પર બળવાખોરી સામે આવી હતી. આ વાતને લઇને પાર્ટી ચિંતીત હોવાના કારણે આજે બળવાખોરી ડામવા માટે છેલ્લી સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરાની મુલાકાતે મોકલ્યા હતા. કરજણમાં હર્ષ સંઘવીએ સંબોધન દરમિયાન કડક શબ્દોમાં વિરોધીઓને ચેતવણી આપી હતી. અને સમજાવી દીધું હતું.