આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા આજે 6 મહાનગરોના 576 ઉમેદવારોની યાદી સત્તાવાર યાદી જાહેર કરી છે. જો કે, વડોદરાના વોર્ડ-17ના સંભવીત ઉમેદવારોમાં પ્રદેશ પ્રમુખની પંસદગીના ઉમેદવારનુ નામ ચર્ચામાં આવતા ભારે વિરોધ વંટોળ શરૂ થયો હતો. પ્રદેશ પ્રમુખની પસંદગી સામે વાંધો ન ઉઠાવી શકનાર શહેર સંગઠન અને રાજ્ય મંત્રીએ નારાજ કાર્યકરોને મનાવી લેવા પૂર્વ મહિલા કાઉન્સીલરનો ભોગ લીધો હોવાની ચર્ચા છે.
માંજલપુર વિધાનસભાના વોર્ડ-17ના ઉમેદવારોનુ નામ સત્તાવાર જાહેર થાય તે પહેલા જ સંભવીત ઉમેદવાર તરીકે શૈલેષ પાટીલના નામની ચર્ચાએ જોર પકડ્યું હતુ. તેવામાં વોર્ડ પ્રમુખથી લઇને અનેક દાવેદારો અને કાર્યકરોએ મોડી રાતથી જ શૈલેષ પાટીલના નામનો વિરોધ શરૂ કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારે વોર્ડના પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલના ઘરે રજૂઆત કરવામાં પહોંચ્યાં હતા. પરંતુ સી.આર પાટીલની પંસદગી હોવાથી મંત્રી યોગેશ પટેલ પણ કઇ રીતે વાંધો ઉઠાવે, જેથી તેઓ પણ દુવિધામાં ફસાયા હતા. શૈલેષ પટેલ ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો માનીતો હોવાની ચર્ચા છે.