વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાય છે. જેમાંથી ગઈકાલે પહેલા તબક્કામાં ઈચ્છુક ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે પહેલા તબક્કા બાદ હવે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામા આવી રહી છે. જેને લઈને આજે વડોદરા રાવપુરા બેઠકથી ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુકલ સમર્થકોની હાજરીમાં નામાંકન ભરવા નીકળ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના રાવપુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને ઉમેદવારી મળતા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના આશીર્વાદ લેવા માટે રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં રાજેન્દ્ર ત્રિવેદીએ બાલકૃષ્ણ શુક્લને જંગી મતોથી જીત મેળવવાના આશીર્વાદ આપ્યા હતા. ત્યારે આ આશીર્વાદ સાથે તેઓ માતાજીના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં જનમેદની સાથે ઉમેદવારી નોંધાવા નીકળ્યા છે. મોટી સંખ્યમાં કાર્યકરો દ્વારા વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આ અંગે બાલકૃષ્ણ શુક્લ મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે, આજે રાવપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે હું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યો છું. ત્યારે આપણે બધા જાણીએ છીએ કે, ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એ વડોદરા છે. વડોદરામાં સાંસ્કૃતિક વિધાનસભા એ રાવપુરા વિસ્તાર છે. વડોદરાની આખી સંસ્કૃતિ ત્યાં છે. તેનું પ્રતિબિંબ આખી દુનિયામાં ઉજળી રહ્યું છે. ત્યારે પાર્ટી દ્વારા મને આ જવાબદારી સોંપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો. જે પ્રમાણે બધા જ કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ છે. તે મારી માટે ખૂબ સૌભાગ્યની વાત છે. સૌના નેતા રાજેન્દ્ર ત્રિવેદી, પ્રેદશના મહામંત્રી, અધ્યક્ષ સહિત બધાં જ અહીં ઉપસ્થિત છે. જે બદલ હું બધાનો આભાર માનું છું.
વધુમાં તેમણે કહ્યું કે,ભારતીય જનતા પાર્ટીનો એક પરંપરા છે કે, મહારૂદ્વ હનુમાન સાથે ગણપતિના મંદિરના દર્શન કરી તમામ ઉમેદવારો જાય છે. તેવી જ રીતે હું પણ અહીંયા દર્શન કરીને ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે, આપ સૌ નાગરિકોના આશીર્વાદથી ફક્ત રાવપુરાની સીટ નહિ પરંતુ મહાનગરની પાંચે પાંચ સીટ પર વિજ્ય થશે તેવી શુભેચ્છા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ જંગી મતે વિજેતા થશે તેવી ખાતરી આપી હતી. રાજ્ય ભરમાં અનેક વિધાનસભામાં ભાજપના નારાજ નેતાઓ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મોટી જનમેદની સાથે આજે બાલકૃષ્ણ શુક્લ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે.