ગોરજ નજીક સાંઢિયાપૂરા મહાદેવ મંદિર સતયુગકાલનું હોવાની આસ્થા:પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનન કરાતા ચોથીપાંચમી સદીનું મંદિર મળી આવ્યું.

લૂંટારૂ સાથે લડતા ઘાયલ નંદી મહારાજના રક્તની પ્રત્યેક બુંદથી પ્રતિમા બની

વડોદરા જિલ્લામાં એક એવું શિવમંદિર આવ્યું છે, જેના વિશે એવી માન્યતા પ્રચલીત છે કે એ મંદિર સતયુગમાં બનાવવામાં આવ્યું છે. વળી, આ માન્યતાને જાણે સમર્થન મળતું હોય એમ અહીં ચોથીપાંચમી સદીના શિવ પંચાયતન મંદિરના ભગ્નાવેશેષો મળી આવ્યા છે. આ અવશેષો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળનું સાક્ષ્ય પૂરે છે. આ મંદિર પોતાના પેટાળમાં અનેક રહસ્યો સંગ્રહી કાળની થપાટો સામે આજેય અડીખમ ઉભું છે.

વાઘોડિયા તાલુકાનું ગોરજ ગામ ચારેય બાજુ હરિયાળીથી રળિયામણું લાગે ! ગાયોના ચાલવાથી ઉડતી રજકણના કારણે આ ગામનું નામ ગોરજ પડ્યું હોવાની વાત સહજ સમજમાં આવે છે. એવું માનવામાં આવે છે કે, છેક પાવાગઢથી ગાયોના ધણ અહીં ચરવામાં આવતા હતા. ગ્રામજનોમાં એવી વાત પ્રચલિત છે કે, એક વખત ધણમાંથી નંદી વિખુટા પડી ગયા. નંદી મહારાજ ગયા મહાકાળી માતા પાસે અને ફરી ધણ પાસે જવા માટે વિનંતી કરી. માં કાલીના આશીર્વાદથી નંદી મહારાજ ધણ તરફ આગળ વધી રહ્યા હતા.

નંદી મહારાજે પોતાની મોટી ખુંધથી ગળા સુધીના ભાગમાં રત્નજડિત સોનાનો હાર પહેર્યો હતો. માર્ગમાં મળેલા કેટલાક લૂંટારૂઓને આ કિંમતી હાર લૂંટવા દાઢ ડળકી. એટલે, કેટલાક લૂંટારૂઓ નંદી મહારાજની પાછળ પડ્યા. એમાંથી એક દ્રુષ્ટબુદ્ધિએ નંદી મહારાજ પર હુમલો કર્યો મુખભંગ કર્યું. નંદી મહારાજે વળતા પ્રહારમાં તમામ લૂંટારૂઓને પગ તળે કચડી નાખ્યા.

જાહલ નંદી મહારાજ લોહી નીકળતી હાલતમાં દેવ નદીમાં આગળ વધતા ગયા. એવું માનવામાં આવે છે કે, તેમનું લોહી જ્યાં જ્યાં પડ્યું ત્યાં નંદી મહારાજની પાષણની પ્રતિમા બનતી ગઇ હતી. દેવ નદીમાંથી આજે પણ આવી પ્રતિમાઓ મળી આવે છે. આ મહારાજ સાંઢિયાપૂરા ગામ પાસે પૌરાણિક મંદિરમાં વસી ગયા. એ મંદિર એટલે સતયુગની સાક્ષી પૂરતું શિવ પંચાયતન મંદિર !

ગાયકવાડ શાસન દરમિયાન ઇનામદારોએ આ મંદિરના મુખ્ય ભાગ પૂરતો જીર્ણોદ્ધાર કરાવ્યો. એકદંડિયા મહેલ જેવું દિવ્ય લાગે આ મંદિર. આ બધી બાબતોને ધ્યાને રાખીને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું છે. સૌના આશ્ચર્ય વચ્ચે અહીં ચોથીપાંચમી સદીના મંદિરના અવેશેષો મળી આવ્યા. એ પૌરાણિક મંદિર બનાવવા માટે વપરાયેલી પોલીશ્ડ, સિલિકાયુક્ત ઇંટોના કદ પરથી ચોથી પાંચમી સદીમાં મંદિર બાંધવામાં આવ્યું હોવાનો અંદાજ પુરાતત્વ ખાતું લગાવે છે. ઉત્ખનન દરમિયાન મળેલી કેટલીક પ્રતિમા અને અવશેષો કાયાવરોહણ મ્યુઝિયમ ખાતે રાખવામાં આવી છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ ના અધિકારી સુશ્રી રશ્મિ સિંહા જણાવે છે પ્રાચીન શિવ મંદિરોમાં આટલી મોટી ખૂંધવાળા
નંદી ભાગ્યેજ જોવા મળે છે.ગોરજ સરપંચ અંબરિશભાઈ જણાવે છે કે લોકબોલીમાં નંદીને સાંઢિયો કહે છે એટલે અગાઉ અમારું આ પરું એ નામે ઓળખાતું,હવે મહાદેવપૂરા કહેવાય છે.ગોરજ ગામમાં થઈને આ જગ્યાએ પહોંચાય છે.
રસપ્રદ વાત તો એ છે કે, લોકોક્તિમાં રહેલા નંદી મહારાજની પ્રતિમા પણ ત્યાંથી મળી આવી છે. કાળમિંઢ (સેન્ડસ્ટોન) પથ્થરથી બનેલા નંદીનું મુખ ભગ્ન છે. જે તેમના મુખ પર હુમલો થયો હોવાનું પ્રતીક છે. ખૂંધ સામાન્ય કરતા મોટી છે. તેના પગ નીચે લૂંટારૂઓ જોવા મળે છે. એક માન્યતા એવી પણ છે કે, નંદી મહારાજે લૂંટારૂઓને પથ્થર કરી દીધા હતા. મંદિરના પરસાળમાં બીજા બે નંદી પણ છે. જે નાના કદના છે. મંદિરની પ્રાચીન દિવાલોને તે જ ઇંટોથી રિસ્ટોર કરવામાં આવી છે. ઇનામદારોએ બંધાવેલા મંદિર બહાર બે ક્ષત પાળિયારૂપે મૂર્તિ છે. એક મૂર્તિ ભગવાન વિષ્ણુની હોવાનો અંદાજ લગાવી શકાય છે.

મંદિર આસપાસ બીજા ચાર મંદિર હોવાના પૂરાવા ભાંગેલી ઇંટોના આકારો આપે છે. આ મંદિરનો આકાર તારા (સ્ટાર) જેવો હોવાનું માનવામાં આવે છે. પરસાળમાં એક ઓરસિયો, બહાર એક પથ્થરમાંથી બનેલી ચંદ્રશીલા પણ છે. અહીંથી ગુપ્તકાલિન સિક્કા ઉપરાંત ઓમ જગેશ્વર લખેલી તાંબાની મહોર પણ મળી આવી હતી. શિવલિંગ પર્વતાકારનું છે. આસપાસના લોકો બહુ જ આસ્થા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, ગોરજથી દંખેડા સુધીમાં સવા સો શિવલિંગ છે.

લોકઆસ્થાથી આ મંદિર સતયુગનું બની શકે છે, સાથે કાલબાધ વીના એટલું ચોક્કસ કહી શકાય કે દરેક ધર્મસ્થાન સત્યનું પ્રતીક જરૂરથી હોય છે. સાંઢિયાપૂરાનું આ મંદિર અદ્દભૂત આદ્યાત્મિક અનુભૂતિ ચોક્કસ કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *