ઉપરવાસમાં વરસાદ અને જળાશયમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે.તેને અનુલક્ષીને આજે સાંજના ૫ વાગે નર્મદા ડેમના ૨૩ ગેટ વધુ ઊંચાઈ સુધી ખોલીને નદીમાં ૩.૫૦ લાખ ક્યુસેક પાણી,ગેટ દ્વારા છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.તેના પરિણામે નર્મદા નદીમાં પ્રવાહ સારો એવો વધશે.
હાલમાં ૧૫ દરવાજા ૨.૩૫ મીટર ખુલ્લા છે જેમાં થી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જ્યારે સાંજે ૫ વાગે કુલ ૨૩ ગેટ ૨.૧૫ મીટરની ઊંચાઈ સુધી ખોલીને ૩.૫૦ લાખ ક્યુસેક પાણી નદીમાં પ્રવાહિત કરવાથી હેઠવાસ માં નદીમાં પાણી વધશે.આ ઉપરાંત જળ વિદ્યુત મથકમાં થી છોડવામાં આવતા પાણી સાથે નદીમાં કુલ ૩.૯૫ લાખ (૩.૫૦+૪૫) ક્યુસેક પાણીની આવક શરૂ થશે.તેના અનુસંધાને વડોદરા જિલ્લાના કરજણ,શિનોર અને ડભોઇ તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સંપૂર્ણ સાવધાની અને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.